

પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના મજીવાણા ગામથી કુણવદર તેમજ શનિધામ હાથલાને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગના નવીનીકરણની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને રોજિંદા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.માર્ગ પર થોડા સમય પહેલાં માત્ર કાંકરી પાથરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તા પર છૂટ્ટી પડેલી કાંકરીના કારણે બાઇક અને અન્ય વાહનો સ્લીપ થવાનો ભય સતત રહે છે. ખાસ કરીને વરસાદી માહોલમાં માર્ગ વધુ જોખમી બની ગયો હોવાથી અકસ્માતની શક્યતાઓ પણ વધી છે.આ માર્ગ પોરબંદર-ખંભાળિયા હાઇવે પર આવેલ મજીવાણા ગામ થી કુણવદર અને શનિધામ હાથલા સાથે જોડતો માર્ગ હોવાથી રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ પરથી રોજિંદા અવરજવર કરતા ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ શનિધામ હાથલા જતાં શ્રદ્ધાળુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં માર્ગનું નવીનીકરણ કરવામાં ન આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે માર્ગનું કાયમી ધોરણે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya