વડોદરામાં ન્યાયમંદિર વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીની સમસ્યાને લઈ મેયર સ્થળ પર પહોંચ્યા, તાત્કાલિક કાર્યવાહી શરૂ
વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા પોતાના મતવિસ્તાર વોર્ડ નં. 13માં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ન્યાયમંદિર વિસ્તારના દુધવાલાના ખાંચામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી
મેયર


મેયર


મેયર


વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા પોતાના મતવિસ્તાર વોર્ડ નં. 13માં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ન્યાયમંદિર વિસ્તારના દુધવાલાના ખાંચામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવતું હોવાની ફરિયાદોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

સ્થાનિક રહિશોએ અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા મીડિયાનો સહારો લીધો હતો. મીડિયા દ્વારા મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ મેયર ગીતાબેન મકવાણા સ્વયં સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.

મેયર સાથે સ્થાનિક કાઉન્સિલર શૈલેન્દ્ર ઠાકોર તેમજ વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરીને તકનિકી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જૂના શહેરમાં ગાયકવાડી સમયની વર્ષો જૂની પાણીની પાઇપલાઇન અનેક સ્થળોએ જર્જરિત અને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેના કારણે ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતું હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને કારણે સ્થાનિકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હતું.

સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ક્ષતિગ્રસ્ત પાઇપલાઇન બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર લાઇનનું નિરીક્ષણ કરીને જરૂરી સ્થળોએ નવી પાઇપલાઇન નાખવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ફરી સર્જાય નહીં.

સ્થાનિક રહિશોએ મેયર ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ પર આવીને સમસ્યાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાવવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે તેમણે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા તંત્રને અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande