
ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શહેર તેમજ ગામડાઓમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી હતી.
મહુવા તાલુકાના દયાળ, કાટીકડા, ભાટીકડા, રાણીવાડા સહિતના અનેક ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. વાહનચાલકોને વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી.
ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ચોમાસાની ઋતુમાં સમયસર વરસાદ થતાં ખેતરોમાં વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા ખેડૂતો હવે આગામી દિવસોમાં વિવિધ ખરીફ પાકોની વાવણી શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.
વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકાને કારણે લોકો થોડા સમય માટે ઘરો અને દુકાનોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે વરસાદનું પ્રમાણ મધ્યમ રહેતાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે સમગ્ર મહુવા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકો ગરમીથી રાહત અનુભવતા જોવા મળ્યા હતા. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને તેનો સારો લાભ મળશે અને ખેડૂતોની ચોમાસા પ્રત્યેની આશાઓ વધુ મજબૂત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA