

છોટાઉદેપુર , 04 જુલાઈ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-છોટાઉદેપુર રોડ પર આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, રેતી ભરવા જતો હોવાનું કહેવાતો એક બેફામ ડમ્પર મોપેડચાલકને અડફેટે લેતા, ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
હાલ મૃતક યુવાનની ઓળખ થઈ શકી નથી. તે ક્યાંનો રહેવાસી હતો અને ક્યાં જતો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બનાવની જાણ થતાં બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ