


વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં પડેલા વરસાદ બાદ જેતલપુર બ્રિજ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજની બાજુમાં પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં બ્રિજની આસપાસ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે બે-વ્હીલર ચાલકો, કારચાલકો તેમજ અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે અકસ્માતનો ભય પણ સર્જાયો હતો.
દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં આ વર્ષે પણ જેતલપુર બ્રિજ પાસે સમાન સ્થિતિ સર્જાતા વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની તેમજ પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદમાં લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ