
પાટણ, 04 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું કે રાજ્યમાં GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને ચાર રાઉન્ડ બાદ પણ પ્રવેશથી વંચિત તેમજ પૂરક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને ફરી રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવી છે.
યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન વગર કોઈપણ વિદ્યાર્થીને આપવામાં આવેલ પ્રવેશ માન્ય ગણાશે નહીં. આવા નિયમબાહ્ય પ્રવેશ માટે સંબંધિત કોલેજ મેનેજમેન્ટ જવાબદાર રહેશે.
HNGUએ ચાર રાઉન્ડ બાદ 40,179 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યુનિવર્સિટીમાં અંદાજે 90 હજાર બેઠકો ઉપલબ્ધ છે.
અનુસ્નાતક (PG) પ્રવેશ માટે પણ GCAS મારફતે પ્રક્રિયા શરૂ થશે. વિદ્યાર્થીઓને મોક રાઉન્ડ દ્વારા સંભવિત કોલેજનો અંદાજ આપવામાં આવશે, જેથી તેઓ સમયસર પ્રવેશ મેળવી શકે.
ચાર રાઉન્ડ બાદ હવે સ્પોટ રાઉન્ડથી પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેના માટે GCAS પર રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન વગરના વિદ્યાર્થીઓનું એન્રોલમેન્ટ કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ