
સુરત, 04 જુલાઈ (હિ.સ.) : સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરાગામ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કેટલીક મહિલાઓ ગંજીપાના પત્તાં વડે રોકડની હારજીતનો જુગાર રમતી મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે મકાનની માલિક મહિલા પોતાના ઘરે ઓળખીતી મહિલાઓને બોલાવી જુગાર રમાડતી અને તેના બદલામાં કમિશન વસૂલતી હતી. પોલીસે સંચાલિકા સહિત કુલ 7 મહિલાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પર પડેલા રોકડા તેમજ મહિલાઓ પાસેથી મળેલી રોકડ રકમ મળી કુલ રૂ. 88,250 જપ્ત કર્યા હતા. ઉપરાંત આશરે રૂ. 34 હજારની કિંમતના છ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ગંજીપાના પત્તાં સહિત કુલ રૂ. 1.22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી ઉત્રાણ પોલીસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી અને આરોપીઓ સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે ઝડપાયેલી 7 મહિલાઓમાંથી 5 મહિલાઓ અગાઉ પણ જુગારના ગુનાઓમાં ઝડપાઈ ચૂકી છે. તેમના સામે સુરત શહેર અને ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જુગાર સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયું છે. હાલ કેસની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે