
છોટાઉદેપુર, 04 જુલાઈ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વરસાદી માહોલ વચ્ચે સ્ટેટ હાઇવે પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરાતાં સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો છે. વરસાદ દરમિયાન કરવામાં આવી રહેલી રોડ મરામતની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, નસવાડી ટાઉન વિસ્તારમાં સતત વરસાદી વાતાવરણ હોવા છતાં સ્ટેટ હાઇવે પર ખાડાઓ પૂરવા માટે ડામર પેચવર્ક કરવામાં આવી રહ્યું હતું. કામગીરી દરમિયાન રસ્તા પર વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે કામની ગુણવત્તા અંગે સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે વરસાદમાં કરવામાં આવતું ડામર પેચવર્ક કેટલા સમય સુધી ટકી શકશે તે સૌથી મોટો સવાલ છે. આવી સ્થિતિમાં સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે પણ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ માર્ગ અને મકાન વિભાગની કામગીરી તેમજ ગુણવત્તા નિયંત્રણ અંગે પણ સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે સમગ્ર મામલાની તપાસ કરીને વરસાદી પરિસ્થિતિમાં કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા ચકાસવાની તેમજ જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ