રૂ. 5 કરોડના ખર્ચે બનેલા ગઢબોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા, દર્દીઓ મુશ્કેલીમાં
છોટાઉદેપુર, 04 જુલાઈ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે અંદાજે ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પ્રથમ જ વરસાદમાં પાણી ભરાઈ જતાં બાંધકામની ગુણવત્તા અને આયોજન સામે સવાલો ઊભા થયા છે. મળતી
હોસ્પિટલ


છોટાઉદેપુર, 04 જુલાઈ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે અંદાજે ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પ્રથમ જ વરસાદમાં પાણી ભરાઈ જતાં બાંધકામની ગુણવત્તા અને આયોજન સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, PIU (પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ) દ્વારા આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ તેમજ કેમ્પસમાં આર.સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા ન કરવામાં આવતાં થોડાક જ વરસાદમાં સમગ્ર કેમ્પસમાં પાણી ભરાઈ ગયું છે.

પાણી ભરાવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવા માટે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને અન્ય દર્દીઓ માટે અવરજવર જોખમી બની છે.

આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ મૌખિક રીતે જણાવ્યું હતું કે કેમ્પસમાં પાણી ભરાવાની સમસ્યાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. જોકે, ચોમાસાની હજુ શરૂઆત જ થઈ છે ત્યારે જ આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકો અને દર્દીઓનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી. તેઓનું કહેવું છે કે જો બાંધકામ દરમિયાન ડ્રેનેજ વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજે દર્દીઓને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડ્યો હોત.

હવે સ્થાનિકો અને દર્દીઓએ સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની તેમજ સમગ્ર પ્રોજેક્ટની તકનિકી તપાસ કરીને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande