
વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા ગ્રામ્ય પોલીસે ભાયલીના પ્રિયા સિનેમા ચાર રસ્તા નજીક આવેલા આરના-48 ફ્લેટમાં થયેલા ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દારૂની મહેફિલ દરમિયાન થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાયેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફ્લેટ તરફ ફાયરિંગ નજીક આવેલી અશ્વમેઘ એવન્યુની એક ઓફિસમાંથી કરવામાં આવ્યું હતું.
તપાસના આધારે પોલીસે ફાયરિંગ કરનાર તરીકે મેહુલ મહેન્દ્રભાઈ ગઢવીની ધરપકડ કરી છે. વધુ તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાસ્થળે દારૂની મહેફિલ ચાલી રહી હતી, જ્યાં થયેલા ઝઘડાએ ફાયરિંગનું રૂપ ધારણ કર્યું હતું.
આ કેસમાં પોલીસે મહેફિલમાં હાજર રહેલા શક્તિસિંહ વનરાજસિંહ રાણા, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક શંભુનાથ ઝા અને ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ વાઘેલા સામે પણ દારૂની મહેફિલ યોજવા સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સમગ્ર મામલે હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ