


પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદરનો સમુદ્ર તોફાની થયો છે તેથી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને લોકોને દરિયાથી દૂર રહેવા અપીલ થઈ છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા મળેલ તાજા હવામાન અહેવાલના આધારે પોરબંદર બંદર પર સ્થાનિક ચેતવણી સિગ્નલ નંબર-3 લગાવી દેવામાં આવ્યું છે.પોરબંદર પોર્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલ સકર્યુલર મુજબ, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ સિગ્નલ ચાલુ રહેશે.સ્થાનિક ચેતવણી સિગ્નલ નંબર-3 નો અર્થ એવો થાય છે કે બંદર પર ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને બંદર પર હાલ અસર થઈ રહી છે.
હવામાન ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ છે માટે તંત્રએ સુચના આપીને જણાવ્યું છે કે તમામ માછીમારો, બોટ માલિકો અને બંદર વપરાશકારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી પોતાની બોટ સલામત લાંગરવા તાકીદ કરવામાં આવી છે. તે ઉપરાંત પોરબંદર જિલ્લાના વાસીઓને પણ દરિયા કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya