
જૂનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.), જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ સમર સ્કિલ વર્કશોપ અંતર્ગત સ્વામી વિવેકાનંદ સ્કૂલ, જૂનાગઢ, ગ્રામપંચાયત હાઈસ્કૂલ, બિલખા, કેન્દ્રીય વિદ્યાલય, જૂનાગઢ, સ્વ. કે. જી. ચૌહાણ કન્યા વિદ્યાલય, કે.પી.સી. ગોડા સ્કૂલ, જૂનાગઢ, મયુર ભુવા સ્કૂલ, મુરલીધર માધ્યમિક શાળા, તક્ષશિલા સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુલ સહિત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સંસ્થાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ.માં ચાલતી વિવિધ ટ્રેડ, તાલીમની પદ્ધતિ, આધુનિક મશીનરી અને સાધનો, રોજગારીની તકો તેમજ કૌશલ્ય વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ ટ્રેડના વર્કશોપની મુલાકાત લઈ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને પ્રાયોગિક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વિવિધ ટ્રેડ અંગે ઉત્સાહપૂર્વક માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ફોરમેન એ. એચ.વરીયા, એન. આર. ઉમરાડિયા તથા એન. એન. પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થાના તમામ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ટ્રેડની વિગતવાર માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
સમર સ્કિલ વર્કશોપ શરૂ થયાથી અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આઇ.ટી.આઇ.ની મુલાકાત લઈ વિવિધ ટ્રેડ અંગે માહિતી મેળવી છે. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તરફથી આ વર્કશોપને ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે.
આ સમર સ્કિલ વર્કશોપ આગામી તા. ૧૦ જુલાઈ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. જે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ.ની મુલાકાત કરાવવા તથા વિવિધ ટ્રેડ અંગે માર્ગદર્શન અપાવવા ઇચ્છતી હોય, તેઓએ વધુ માહિતી અને મુલાકાતના આયોજન માટે સરકારી આઇ.ટી.આઇ., જૂનાગઢનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ