બોટાદના સમઢિયાળા ગામેથી “વીબી જી રામ જી – વિકસિત ભારત જનકલ્યાણ અભિયાન”નો રાજ્યસ્તરીય પ્રારંભ
બોટાદ, 04 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના સમઢિયાળા નં. ૨ ગામેથી “વીબી જી રામ જી – વિકસિત ભારત જનકલ્યાણ અભિયાન”નો રાજ્યસ્તરીય જનસંમેલન અને શુભ પ્રારંભ યોજાયો હતો. દેશવ્યાપી આ અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય ગ્રામ વિકાસ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિ
અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો


બોટાદ, 04 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના સમઢિયાળા નં. ૨ ગામેથી “વીબી જી રામ જી – વિકસિત ભારત જનકલ્યાણ અભિયાન”નો રાજ્યસ્તરીય જનસંમેલન અને શુભ પ્રારંભ યોજાયો હતો. દેશવ્યાપી આ અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય ગ્રામ વિકાસ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાતમાં રાજ્યસ્તરીય કાર્યક્રમ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના શુભ હસ્તે યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ગામોના સર્વાંગી અને ટકાઉ વિકાસને ગતિ આપવાનો છે. અભિયાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે તેમજ જળસંચય, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને જાહેર ઉપયોગનાં વિકાસલક્ષી કાર્યોને પ્રોત્સાહન મળશે. સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ યોજનાઓનું આયોજન કરવામાં આવશે, જેથી ગામડાંનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામ પંચાયતોને વધુ સશક્ત બનાવી વિકાસ પ્રક્રિયામાં લોકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકાઈ રહી છે. આ અભિયાન પણ તે દિશામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે.

મંત્રીએ ગ્રામજનોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને પોતાના ગામને આદર્શ તથા વિકસિત ગામ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે આંગણવાડીના બાળકો સાથે આત્મીય સંવાદ કરી તેમની કામગીરી વિશે જાણકારી મેળવી હતી. સાથે જ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.

રાજ્યસ્તરીય આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને ગામડાંના સર્વાંગી વિકાસ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande