નસવાડીમાં અશ્વિન નદી પાર કરી શાળાએ જતા વિદ્યાર્થીઓ, દર ચોમાસે જીવના જોખમે અભ્યાસનો માર્ગ
છોટાઉદેપુર , 04 જુલાઈ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓની સલામતીનો ગંભીર પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. અશ્વિન નદીમાં પાણી આવતાં જજવા ગામના વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસ માટે જીવના જોખમે નદી પાર કરીને કોલં
વિદ્યાર્થીઓ


વિદ્યાર્થીઓ


છોટાઉદેપુર , 04 જુલાઈ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓની સલામતીનો ગંભીર પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. અશ્વિન નદીમાં પાણી આવતાં જજવા ગામના વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસ માટે જીવના જોખમે નદી પાર કરીને કોલંબા ગામની શાળાએ જવા મજબૂર બન્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જજવા ગામથી કોલંબા સુધી વિદ્યાર્થીઓ માટે બસની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ નદીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. વરસાદ વધે ત્યારે નદીમાં પાણીનું સ્તર વધી જતાં તેમની મુશ્કેલી અને જોખમ બંને વધી જાય છે.

ગ્રામજનોએ જણાવ્યું કે, દર ચોમાસે આ જ સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સલામતીને લઈને અનેક વખત તંત્ર અને સરકાર સમક્ષ પુલ બાંધવાની માંગ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ખેડૂતોને પણ દર વર્ષે અશ્વિન નદીમાં પાણી આવતાં અવરજવર અને ખેતી સંબંધિત કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નદી પર પુલ ન હોવાથી ગામલોકો માટે ચોમાસામાં રોજિંદું જીવન પણ પ્રભાવિત થાય છે.

સ્થાનિકોની માંગ છે કે, સરકાર અને સંબંધિત વિભાગ તાત્કાલિક ધોરણે અશ્વિન નદી પર પુલના નિર્માણ માટે જરૂરી કાર્યવાહી કરે, જેથી વિદ્યાર્થીઓને સલામત રીતે શાળાએ પહોંચવાની સુવિધા મળી રહે અને ગ્રામજનોને પણ દર વર્ષે આવતી મુશ્કેલીઓમાંથી કાયમી રાહત મળે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande