
ભાવનગર, 04 જુલાઈ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને ધૂળમુક્ત બનાવવા માટે સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. તેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સ્વીપર મશીન મારફતે શહેરના મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તાઓ પર એકત્ર થયેલી ધૂળ, કચરો અને અન્ય વેસ્ટ દૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે મુખ્ય માર્ગો સ્વચ્છ અને ડસ્ટ ફ્રી બન્યા હતા.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત માર્ગો, મુખ્ય ચોક તેમજ જાહેર અવરજવરવાળા વિસ્તારોમાં સ્વીપર મશીનનો ઉપયોગ કરીને અસરકારક રીતે સફાઈ કરવામાં આવી હતી. મશીન દ્વારા ખૂબ જ ઓછી સમયમાં મોટા વિસ્તારની સફાઈ શક્ય બનતા સફાઈ કામગીરીમાં ઝડપ અને ગુણવત્તા બંનેમાં વધારો થયો છે.
શહેરમાં વધતા વાહનવ્યવહાર અને ધૂળને કારણે રસ્તાઓ પર ગંદકી જમા થતી હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા નિયમિત અંતરે સ્વીપર મશીનથી માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. આ કામગીરીથી રસ્તાઓ વધુ સ્વચ્છ દેખાવા ઉપરાંત ધૂળનું પ્રમાણ પણ ઘટ્યું છે, જેના કારણે નાગરિકોને રાહત મળી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવા માટે મશીન આધારિત સફાઈ ઉપરાંત નિયમિત માનવબળ દ્વારા પણ સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. સ્વચ્છતા જાળવવામાં નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી હોવાથી લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, ડસ્ટબિનનો ઉપયોગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરના સંકલ્પ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી આવી કામગીરીથી શહેરની સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ અભિયાન સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA