ભારે વરસાદની અસર: તાપી કોઝવે ઓવરફ્લો, લોકો માટે સુરક્ષા સૂચના
સુરત, 04 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની શરૂઆત મોડેથી થઈ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને તાપી નદીના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે રાંદેર અને કતારગામને જોડતો વિયર-કમ-કોઝવે આ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. હાલ કોઝવે પર પાણીન
Surat


સુરત, 04 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની શરૂઆત મોડેથી થઈ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને તાપી નદીના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે રાંદેર અને કતારગામને જોડતો વિયર-કમ-કોઝવે આ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. હાલ કોઝવે પર પાણીની સપાટી આશરે 6.80 મીટર સુધી પહોંચી હોવાથી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત પાણીની આવક પર નજર રાખી રહ્યું છે.

સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વહીવટી તંત્રે કોઝવે પરથી તમામ પ્રકારની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ માર્ગ બંધ થતાં રાંદેર, કતારગામ અને વેડ રોડ વચ્ચે મુસાફરી કરતા હજારો લોકોને હવે ચોકબજાર અથવા કેબલ સ્ટેઇડ બ્રિજ મારફતે જવું પડી રહ્યું છે, જેના કારણે અંદાજે 7થી 8 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. સાથે જ શહેરના અન્ય મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા પણ છે.

કોઝવેની બંને બાજુ બેરિકેડ્સ ગોઠવી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તંત્રે નાગરિકોને કોઝવે નજીક ભીડ ન કરવા, સેલ્ફી લેવા ન જવા તેમજ નદીના કિનારાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી છે. હાઇડ્રોલિક વિભાગ પાણીની સપાટી પર સતત નજર રાખી રહ્યો છે અને ઉપરવાસમાં વરસાદ ઘટશે તો આગામી સમયમાં પાણીનું સ્તર પણ ધીમે ધીમે નીચે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande