

છોટાઉદેપુર , 04 જુલાઈ (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસંગ નદી પર આવેલ મહત્વપૂર્ણ પુલના મોડાસાર તરફના છેડે અચાનક ગાબડું પડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
મુસાફરો અને વાહનચાલકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા પુલ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ પુલની આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, પુલના મોડાસાર તરફના છેડે જમીન ધસી જતાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સંબંધિત વિભાગ દ્વારા તકનિકી તપાસ શરૂ કરવામાં આવી છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
તંત્રે વાહનચાલકોને અપીલ કરી છે કે, તેઓ હાલ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. પુલના સમારકામ અને સ્થિતિ અંગેની વધુ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ