



વડોદરા , 04 જુલાઈ (હિ.સ.) દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયંત એગ્રો પ્રાઇવેટ લિમિટેડ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત તેમજ ટોબેકો ફ્રી જનરેશન અભિયાન અંતર્ગત પ્રોજેક્ટ પ્રયાસ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. જેમાં અનગઢથી શરૂ થઈને ધનોરા થઈ કોયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સુધી એક વિશાળ વ્યસનમુક્તિ જનજાગૃતિ સાયકલ રેલીનું સફળ આયોજન થયું હતું.આ સાયકલ રેલીમાં અંદાજે 125 જેટલા શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને 50 જેટલા આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત વિવિધ ગામોના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, આશા વર્કર્સ અને સ્થાનિક નાગરિકો પણ આ રેલીમાં જોડાયા હતા. રેલીના માધ્યમથી યુવાનો અને ગ્રામજનોને તમાકુ, દારૂ તથા અન્ય ઘાતક નશાકારક પદાર્થોના શારીરિક અને આર્થિક દૂષ્પરિણામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ સહભાગીઓએ સમાજને વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન માત્ર રેલી જ નહીં, પરંતુ નશાના નુકસાન વિશે સમજાવતું એક વિશેષ જનજાગૃતિ પોસ્ટર પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત લોકોને વ્યસન છોડવા અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રોજેક્ટ પ્રયાસ અંતર્ગત તમાકુ નિયંત્રણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનાર 25 જેટલા 'સંકલ્પ સાથીઓ'નું સન્માન હતું. ગયા વર્ષ દરમિયાન સમાજ પ્રત્યે નિષ્ઠા દાખવીને ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ આશા વર્કર્સ, હેલ્થ વર્કર્સ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ અને મેડિકલ ઓફિસર્સને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા.આ ગરિમાપૂર્ણ પ્રસંગે ફેઈથ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતિ સુઝેન સેમસન, જયંત એગ્રોના હેડ – કોર્પોરેટ અફેર્સ શ્રી યોગેશ દુબે, ADHO ડૉ. સુતરિયા, તેમજ તાલુકા પ્રમુખ શ્રી પૂનમભાઈ રાઠોડ સહિતના અન્ય અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ