
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ, ઝડપી અને નજીકના સ્તરે ઉપલબ્ધ થાય તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના-ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records-ILR), વર્ગ-૨ની ૦૭ નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે.
વેરાવળ (શહેર)માં જમીન દફતર નિરીક્ષક કચેરી, નગરપાલિકા શોપિંગ કોમ્પ્લેક્સ, ગોલારાણા ચોકડીની બાજુમાં, ૬૦ ફૂટ રોડ, વેરાવળ ખાતે તેમજ વેરાવળ (ગ્રામ્ય)માં જિલ્લા સેવા સદન, રુમ નં.૧૦૫, ગ્રાઉન્ડ ફ્લોર, ઈણાજ ખાતે કાર્યરત થઈ છે.
જ્યારે તાલાલામાં જમીન દફતર નિરીક્ષક કચેરી, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, સાસણ રોડ ખાતે અને સૂત્રાપાડામાં ડૉ.ભરત બારડ સંકુલ, મેઈન રોડ, બસ સ્ટેશનની બાજુમાં તેમજ ઉનામાં શ્રીજી પાર્ક-૨ સોસાયટી, વરસીંગપુર રોડ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
આ જ રીતે કોડિનારમાં જમીન દફતર નિરીક્ષક કચેરી, પ્લોટ નં-૬, સર્વે નં.૨૧૯/P૩, પ્રોફેસર કોલોની, કોડિનાર બાયપાસ પાસે અને ગીરગઢડામાં તાલુકા સેવા સદન, ઉના રોડ ખાતે કાર્યરત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ પ્રશ્નોનું આયોજનબદ્ધ અને ઝડપી નિરાકરણ શક્ય બનશે. ઉપરાંત નાગરિકોએ હવે જમીન દફતર સંબંધિત કામગીરી માટે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં રહે અને પોતાના તાલુકામાં જ નજીકથી સરળતાથી સેવા મેળવી શકશે.
નાગરિકોને આ નવી તાલુકા કક્ષાની કચેરીઓ અંગે નોંધ લેવા તથા જમીન દફતર સંબંધિત સેવાઓ માટે પોતાના તાલુકાની સંબંધિત કચેરીનો લાભ લેવા લેન્ડ રેકોર્ડ્સ સુપ્રિટેન્ડન્ટ શ્રી અશ્વિનસિંહ ઝાલા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ