
જૂનાગઢ 4 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ વોર્ડ વિસ્તારમાં તા.૦૩-૦૭-૨૦૨૬થી જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, આ પેટા ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત તા. ૦૩-૦૭-૨૦૨૬ના રોજ કરવામાં આવી છે, જ્યારે ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું અથવા નોટીસ પ્રસિદ્ધ કરવાની તા.૦૯-૦૭-૨૦૨૬ નિયત કરવામાં આવી છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તા. ૧૪-૦૭-૨૦૨૬ રહેશે અને ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવાની પ્રક્રિયા તા.૧૬- ૭-૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે.
ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેની છેલ્લી તા.૧૭- ૭-૨૦૨૬ નક્કી કરાઈ છે. આ પેટા ચૂંટણી માટે મતદાન તા.૨૮-૦૭-૨૦૨૬ (મંગળવાર) ના રોજ યોજાશે, જેનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી શરૂ થઈને સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. કોઈ સંજોગોમાં જો પુનઃમતદાન કરાવવાની જરૂરિયાત ઊભી થાય, તો તે માટે તારીખ ૨૯-૦૭-૨૦૨૬ નિયત કરવામાં આવી છે. જ્યારે મત ગણતરી તા. ૩૦-૦૭-૨૦૨૬ ના રોજ કરવામાં આવશે અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની આખરી તા. ૦૧-૦૮-૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં ઊભા રહેનારા તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામું ફરજિયાતપણે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતની ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) રજુ કરવાનું રહેશે, પરંતુ જો કોઈ વ્યાજબી કારણસર મતદાર આ ઓળખપત્ર રજુ કરી શકે તેમ ન હોય, તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજ્ય ચૂંટણી આયોગના તા. ૨૫/૧૧/૨૦૧૬ના આદેશથી નિયત કરેલ જુદા જુદા ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજુ કરીને પણ પોતાનું મતદાન કરી શકશે.
રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણી માટે મતદાનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો નક્કી કરેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ ની આ પેટા ચૂંટણી વીજાણું મતદાન યંત્રો દ્વારા યોજવામાં આવનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે અને તમામ મતદારો કોઈપણ પ્રકારના ભય વગર નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબૂત કરવા માટે પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી, અચૂક મતદાન કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ આયોગ મતદારો, ઉમેદવારો, સર્વે રાજકીય પક્ષો અને જાહેર જનતા તરફથી પાયાની લોકશાહીની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે આ રાષ્ટ્રીય /સંવેધાનિક કામમાં સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખે છે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ