
ભાવનગર,05 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામ પાસે આવેલી ડોંગી નદીમાં આજે વરસાદી માહોલ વચ્ચે એક કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જવાની ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે આગળ નાળું આવી જતાં કાર વધુ આગળ તણાઈ જતાં અટકી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર તમામ લોકોનો સમયસર સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડોંગી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. તે દરમિયાન કાર નદીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર લોકોએ મદદ માટે બૂમો પાડતાં આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. સ્થાનિકોની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ મશીનની મદદથી પાણીમાં ફસાઈ ગયેલી કારને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કારને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વરસાદી મોસમ દરમિયાન નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ પળવારમાં વધી જતો હોવાથી આવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે.
પ્રશાસન અને સ્થાનિક તંત્રએ લોકોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન પાણીથી છલોછલ ભરાયેલા નાળા, કોઝવે અને નદીઓ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. પાણીની ઊંડાઈ અને પ્રવાહનો અંદાજ લગાવવો મુશ્કેલ હોવાથી થોડી ઉતાવળ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સુરક્ષા માટે સાવચેતી રાખવી અને તંત્રની સૂચનાઓનું પાલન કરવું અત્યંત જરૂરી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA