
પાટણ, 05 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઇવે પર ભાભર ત્રણ રસ્તા નજીક કેમિકલ ભરેલા ટેન્કર, ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફાટતાં તે ડિવાઈડર કૂદી સામેની લેનમાં ઘૂસી ગયું અને ટ્રેક્ટર તથા પીકઅપ સાથે અથડાયું હતું.
અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતાં જ, નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.
આ અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાધનપુર પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ