
સુરત, 05 જુલાઈ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ સામે મોટી કાર્યવાહી કરીને તારવાડીની છન્નુ કોલોનીમાં ચાલતા એક ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ સાથે કરવામાં આવેલી તપાસ દરમિયાન ધર્મેન્દ્રકુમાર રાકેશપ્રતાપસિંઘ નામનો વ્યક્તિ કોઈપણ માન્ય તબીબી લાયકાત કે રજિસ્ટ્રેશન વિના દર્દીઓને એલોપેથી સારવાર આપતો હોવાનું સામે આવ્યું. પોલીસે તેની પાસે જરૂરી દસ્તાવેજોની માંગણી કરતાં તે કોઈ પુરાવો રજૂ કરી શક્યો નહોતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ ઉત્તર પ્રદેશમાં એક નર્સિંગ હોમમાં વર્ષો સુધી કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. તે અનુભવના આધારે તેણે સુરતમાં 'રૂષભ ક્લિનિક' શરૂ કરી ક્લિનિક બહાર 'ડો. ડી.કે. સિંઘ B.A.M.S.' લખેલું બોર્ડ લગાવી લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો હતો. સ્થાનિક લોકો તેને લાયકાતપ્રાપ્ત ડોક્ટર માની સારવાર માટે આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી અંદાજે ₹30,733 કિંમતની વિવિધ એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, આઈવી ફ્લુઇડ, મેડિકલ સાધનો તેમજ ગર્ભપાત માટે વપરાતી એમટીપી કિટ પણ જપ્ત કરી હતી. લાયકાત વિના મેડિકલ પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્યને જોખમમાં મૂકવાના આરોપસર અમરોલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે, જેમાં તે કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને કેટલા દર્દીઓની સારવાર કરી હતી તે અંગે તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે