વાપીના ચણોદમાં એલસીબીનો દરોડો: વિદેશી દારૂ જપ્ત, એક બૂટલેગર ઝડપાયો
વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ વાપીના ચણોદ ગામે હનુમાન ટેકરી વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી ₹61,970 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયા
બૂટલેગર ઝડપાયો


વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ વાપીના ચણોદ ગામે હનુમાન ટેકરી વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી ₹61,970 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચણોદ ગામના આંબેડકર ચોક, હનુમાન ટેકરી ખાતે મરાઠી શાળાની પાછળ આવેલા ઝૂંપડા, ચાલીના રૂમ તેમજ ઝાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મીણીયા કોથળાઓમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 330 બોટલ-ટીન (69.780 લિટર) મળી આવ્યા હતા.

આ કાર્યવાહીમાં પોલીસે ઉગ્રસેન ઉર્ફે ઉગ્રા ત્રીભુવન અગરદીપ જયસ્વાલ, હાલ રહે. ચણોદ, વાપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી એક મોબાઇલ ફોન સહિત કુલ ₹66,970નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો પ્રફુલ ઉર્ફે પપ્પુ શુકકરભાઈ કોળી પટેલ (રહે. ભડકમોરા, વાપી) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પકડાયેલા તેમજ વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ વાપી જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ વાપી જી.આઈ.ડી.સી. પોલીસે હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande