
ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના નવા સાંગાણા, ઘાટરવાળા, ઠળિયા, કુંઢેલી સહિતના અનેક ગામોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસું સક્રિય બનતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણમાં તાજગી અનુભવાઈ રહી છે.
મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ રહ્યો હતો. સતત વરસેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી પહોંચતાં વાવેતર કરનાર ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી આગામી દિવસોમાં ખેતીની કામગીરીને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. હવે સમયસર વરસાદ શરૂ થતાં કપાસ, મગફળી, તલ સહિતના ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદથી તળાવો અને નાના જળાશયોમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે, જે કૃષિ તેમજ પશુપાલન માટે લાભદાયી બનશે.
વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ગરમી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. જોકે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી, છતાં કોઈ મોટી નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં વ્યસ્ત બન્યા છે. તંત્ર દ્વારા પણ નદી, નાળા અને કોઝવે પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા તેમજ વરસાદ દરમિયાન જરૂરી તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA