વાપીમાં બનાવટી ગન લાઇસન્સ અને નકલી દસ્તાવેજ કેસમાં બે દોષિતોને 3-3 વર્ષની સખત કેદ
વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વાપીમાં બનાવટી ગન લાઇસન્સ બનાવી તેનો ઉપયોગ કરી હથિયાર રાખવા તેમજ સરકારી દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાના ચર્ચિત કેસમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, વાપીની અદાલતે બે આરોપીઓને દોષિત ઠેરવી દરેકને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ તથા દંડની
પી.એસ.આઈ  સી.ડી ડામોર


વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વાપીમાં બનાવટી ગન લાઇસન્સ બનાવી તેનો ઉપયોગ કરી હથિયાર રાખવા તેમજ સરકારી દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાના ચર્ચિત કેસમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, વાપીની અદાલતે બે આરોપીઓને દોષિત ઠેરવી દરેકને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી છે. દંડની રકમ ન ભરવામાં આવે તો વધારાની કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

વાપી જીઆઈડીસી વિસ્તારમાં તપાસ દરમિયાન પોલીસે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બનાવટી ઓલ ઈન્ડિયા ગન લાઇસન્સ, નકલી સરકારી દસ્તાવેજો અને હથિયાર મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની નકલી સીલ, સ્ટેમ્પ અને અધિકારીઓની બનાવટી સહીનો ઉપયોગ કરીને ગન લાઇસન્સ તૈયાર કરવામાં આવ્યું હતું. આ જ નકલી લાઇસન્સના આધારે એક ખાનગી સુરક્ષા એજન્સીમાં નોકરી પણ મેળવવામાં આવી હતી.

મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી તત્કાલીન પીએસઆઈ સી.ડી. ડામોરે સઘન તપાસ હાથ ધરી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા અને ભારતીય દંડ સંહિતા તેમજ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન જપ્ત કરાયેલા નકલી દસ્તાવેજો, હથિયાર અને અન્ય મહત્વના પુરાવા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સુનાવણી દરમિયાન સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે આરોપો સાબિત થતા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, વાપીની અદાલતે બંને આરોપીઓને દોષિત જાહેર કરી દરેકને ત્રણ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી હતી. દંડ ન ભરાય તો વધારાની કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

આ કેસમાં તત્કાલીન પીએસઆઈ સી.ડી. ડામોર દ્વારા કરવામાં આવેલી ચોકસાઈભરી અને અસરકારક તપાસના આધારે જ આરોપો સાબિત કરવામાં સફળતા મળી હોવાનું અદાલતે નોંધ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande