
- વિવિધ વિભાગો, મંત્રીઓ અને સચિવઓના અભૂતપૂર્વ સંકલનથી ટૂંક જ સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરાઈ
ગાંધીનગર, 05 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના ખેડૂતોના આર્થિક હિતોને સર્વોપરી રાખીને રાજ્ય સરકાર દ્વારા વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરવાનો એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના વ્યાપક હિતમાં બમણું વળતર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીના પરિણામે, ટૂંક જ સમયમાં માત્ર ૨૪ કલાક જેટલા સમયમાં જ આ નિર્ણયનો વિગતવાર પરિપત્ર સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે.
મંત્રીએ સરકારની ત્વરિત અને સુદ્રઢ કાર્યશૈલીની સરાહના કરતા ઉમેર્યું હતું કે, આટલા મોટા અને વ્યાપક નિર્ણયમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ વિભાગોના મંત્રીઓ, સચિવઓ સહિતના તમામ હિતધારકો સાથે ખૂબ જ ઝડપથી સંકલન સાધવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને કારણે વહીવટી તંત્ર અત્યંત વ્યસ્ત હોવા છતાં, ખેડૂતોના કામમાં સહેજ પણ વિલંબ ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણયનો પરિપત્ર આજે સાંજે જારી કરી દેવાયો છે, જે રાજ્ય સરકારની કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે જગતના તાતની પડખે ઊભી રહેનારી અને આપેલા વચનોને ઝડપથી પૂરા કરનારી મક્કમ તથા સંવેદનશીલ સરકાર છે. આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને પોષણક્ષમ વળતર અને આર્થિક રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ