
સુરત, 05 જુલાઈ (હિ.સ.): ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબીશન વિરોધી ઝુંબેશ દરમિયાન કામરેજના કઠોર ગામ વિસ્તારમાં આવેલી માનસરોવર રેસીડેન્સીના પાર્કિંગમાં દરોડો પાડી એક ઓટોરિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં પોલીસે રિક્ષાના ગુપ્ત ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 મિલીની કુલ 469 બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ સાથે રિક્ષા અને મોબાઇલ ફોન સહિત કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી 44 વર્ષીય યુસુફ અહેમદ શેખની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રિક્ષા ડ્રાઇવર છે અને કઠોર વિસ્તારમાં રહે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની સામે અગાઉ પણ પ્રોહિબીશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે, જેના આધારે પોલીસ તેને રીઢો બુટલેગર માનીને વધુ તપાસ આગળ ધપાવી રહી છે.
આ કેસમાં પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ જપ્ત કરાયેલા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. પોલીસ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે