21 વર્ષ જૂના ઉચાપત કેસમાં, પૂર્વ સરપંચ-તલાટીને 6 વર્ષની કેદ
પાટણ, 05 જુલાઈ (હિ.સ.)પાટણના સરસ્વતી તાલુકાના વઘાસર ગ્રામ પંચાયતના 21 વર્ષ જૂના રૂ. 55,500ની ઉચાપત કેસમાં સરસ્વતી કોર્ટે, મહત્વનો ચુકાદો આપ્યો છે. પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટીને કુલ 6 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશ મેઘાબેન નવધ
21 વર્ષ જૂના ઉચાપત કેસમાં પૂર્વ સરપંચ-તલાટીને 6 વર્ષની કેદ


પાટણ, 05 જુલાઈ (હિ.સ.)પાટણના સરસ્વતી તાલુકાના વઘાસર ગ્રામ પંચાયતના 21 વર્ષ જૂના રૂ. 55,500ની ઉચાપત કેસમાં સરસ્વતી કોર્ટે, મહત્વનો ચુકાદો આપ્યો છે. પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટીને કુલ 6 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

ન્યાયાધીશ મેઘાબેન નવધરેએ, પૂર્વ સરપંચ બાબુભાઈ શંકરભાઈ મકવાણા અને તત્કાલીન તલાટી-કમ-મંત્રી ભરતકુમાર પરસોત્તમદાસ સોલંકીને, દોષિત ઠેરવી તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો અને જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે બંનેને ભારતીય દંડ સંહિતાની કલમ 409, 467 અને 114 હેઠળ ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.2,500નો દંડ ફટકાર્યો છે. બંને સજાઓ એક પછી એક ભોગવવાની હોવાથી કુલ 6 વર્ષની સખત કેદ થશે.

કેસ મુજબ વર્ષ 2004-05 દરમિયાન વિકાસ કામો અને સરકારી યોજનાઓના નામે ખોટા બિલો, બનાવટી વાઉચરો અને ખોટી નોંધો કરીને રૂ.55,500ની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી હતી.

તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ બાદ તપાસમાં રોકડ રોજમેળ, બિલો, વાઉચરો, બેંક રેકોર્ડ અને અન્ય દસ્તાવેજો કબજે કરાયા હતા. હસ્તાક્ષરની વૈજ્ઞાનિક તપાસ બાદ બંને સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

સરકાર પક્ષના પબ્લિક પ્રોસિક્યુટર ડી.એમ. ઠક્કરની દલીલોને અદાલતે માન્ય રાખી હતી. જોકે, કલમ 476(ક) હેઠળના ગુનાના પૂરતા પુરાવા ન મળતાં બંનેને તે કલમ હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande