
ગીર સોમનાથ, 05 જુલાઈ (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ગાંગડા ગામે, નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં, વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવતા યુદ્ધના ધોરણે આશરે ૨૫૦ જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ગાંગડા ગામે રાતના આશરે ૧:૦૦ કલાકે ભારે વરસાદના કારણે, ગામની નજીક આવેલ રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે, રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા ઊંટવાળા રોડ વિસ્તારમાં ઘૂસી ગયું હતું.
સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે ૨૫૦ જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.
પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે રેસક્યૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા ૧૧૫ જેટલા વ્યકતિઓને રહેવા, જમવા તેમજ સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ અન્ય લોકો પોતાના પરિવાર/કુંટુંબીજનોના ઘરે સુરક્ષિત રીતે શિફટ થયા હતાં.
આમ, વહીવટીતંત્રની સમયસૂચકતાના પરિણામે ફસાયેલા તમામ ૨૫૦ જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. તેમજ તમામ લોકો માટે ભોજન, રહેવાની, સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ