
ગીર સોમનાથ 05 જુલાઈ (હિ.સ.)ગીર સોમનાથ પૂર્વ કેબિનેટ મંત્રી અને સહકારી પીઢ આગેવાન જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમ ખેતી બેંક દ્વારા વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રના ઈતિહાસ અને મહત્વથી માહિતગાર કરાયા.
વિજેતાઓને ઈનામો અપાયા,
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે આવેલ પ્રતિષ્ઠિત ડો. ભરત બારડ શૈક્ષણિક સંકૂલ ખાતે, કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપનાના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સહકારી સપ્તાહ’ અંતર્ગત એક ભવ્ય શૈક્ષણિક સેમિનાર અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી, સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન અને જૂનાગઢ, પોરબંદર તેમજ ગીરસોમનાથ જિલ્લા ખેતી બેંકના ચેરમેન જશાભાઈ બારડના ગરિમામય અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક (ખેતી બેંક) જૂનાગઢ શાખા દ્વારા આયોજિત આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સહકારી ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કામગીરીથી માહિતગાર થાય, સહકારી શાખાઓનું તેમનું જ્ઞાન વધે અને ભારત દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો શું ફાળો છે તેની ઊંડી સમજ કેળવી શકે તે માટેનો હતો.
ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલના પ્રાર્થના હોલમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ જશાભાઈ બારડ તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. પોતાના પ્રેરણાદાયી અધ્યક્ષીય ઉદબોધનમાં જશાભાઈ બારડે, ખેતી બેંકના ભવ્ય ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૧માં પોરબંદરના યુવરાજ પ્રખર સહકારી નેતાસ્વ.ઉદયભાણસિંહજી દ્વારા ખેતી બેંકની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ ભારતના ગરીબ ખેડૂતોને સાહુકારોની વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરવાનો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના, દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ૬ જુલાઈ ૨૦૨૧ના રોજ એક અલગ *‘કેન્દ્રીય સહકાર મંત્રાલય’ની સ્થાપના કરવામાં આવી. આ મંત્રાલયનો મૂળ ઉદ્દેશ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવાનો અને દેશના છેવાડાના માનવી સુધી સહકારી માળખું મજબૂત કરવાનો છે. ભારતના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યા છે અને આ મંત્રાલયના સફળ ૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં જ આ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સેમિનાર દરમિયાન ખેતી બેંકના જિલ્લા મેનેજર દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ખેતી બેંકની વિવિધ યોજનાઓ, ધિરાણ પદ્ધતિઓ અને સહકારી ક્ષેત્રના અર્થતંત્ર અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ક્વિઝ સ્પર્ધા (પ્રશ્નોત્તરી) યોજાઈ હતી.
જેમાં ઉત્સાહભેર સાચા જવાબો આપનારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ખેતી બેંક તરફથી પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સાથે જૂનાગઢ જિલ્લા ખેતી બેંકના મેનેજર વિશાળભાઈ માલવિયા, ખેતી બેંક સુત્રાપાડાના મેનેજર મનુભાઈ બારડ, ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલના કોલેજ વિભાગના સંચાલકો પાઠક અને વાળા તેમજ શૈક્ષણિક સ્ટાફ અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહોલમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ