
ગીર સોમનાથ 05 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ ભારે વરસાદના કારણે ઉના તાલુકાના સુલતાનપુર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. પાણી ભરાવાના કારણે ઘરમાં ફસાયેલા ૪ લોકોનું વહીવટી તંત્ર અને એસ.ડી.આર.એફની ટીમ દ્વારા રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
શ્રીકાર વરસાદના પરિણામે સુલતાનપુર ગામે ઘરની અંદર પાણી ભરાયેલા હોવાનું અને ઘરમાં ૪ લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટીતંત્રની જાણમાં આવ્યું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ ઘરમાં ફસાયેલા તમામ લોકોની રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક મામલતદાર કચેરી સ્ટાફ, તથા એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે કામગીરી કરતાં પાણીમાં ફસાયેલા ૪ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
જિલ્લામાં અતિ વરસાદના પગલે એસ.ડી.આર.એફની ટીમ પણ સતર્ક છે અને વહીવટીતંત્રના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી રહી છે.
તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરી અને પ્રાથમિક શાળા-સુલતાનપુર ખાતે શિફટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ