મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ, માલણ નદી બે કાંઠે વહેતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રિથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વ
માલણ નદી


ભાવનગર, 05 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રિથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સતત વરસી રહેલા વરસાદના પગલે તાલુકાની અનેક નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મહુવાની જીવાદોરી સમાન માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. માલણ નદીમાં ભારે પાણીની આવક થતાં નદીનું મનોહર પરંતુ જોખમી દૃશ્ય જોવા મળી રહ્યું છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદને કારણે કેટલાક ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થતાં સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી રહી છે. નદી-નાળાઓ પાસે લોકોની અવરજવર ટાળવા તેમજ જોખમી સ્થળોએ ન જવા અપીલ કરવામાં આવી રહી છે.હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્રએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande