
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યાને લઈને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાની અનેક ખાનગી શાળાઓમાં પ્રવેશ ક્ષમતા અને નિયમોમાં નક્કી કરાયેલી લઘુત્તમ વિદ્યાર્થી સંખ્યા જળવાઈ ન રહેતા હવે કુલ 45 ખાનગી શાળાઓને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસ બાદ સંબંધિત શાળા સંચાલકોને નિયમ મુજબ નોટિસ પાઠવી શાળા બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજે મળતી માહિતી અનુસાર, જિલ્લાની 23 ખાનગી માધ્યમિક અને 22 ખાનગી પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યા નિર્ધારિત માપદંડ કરતાં ઘણી ઓછી નોંધાઈ રહી હતી. શિક્ષણ વિભાગે સ્થળ તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને વિવિધ નિયમોની સમીક્ષા કર્યા બાદ સ્પષ્ટ કર્યું કે આવી શાળાઓને ચાલુ રાખવા માટે જરૂરી લઘુત્તમ વિદ્યાર્થી સંખ્યા ઉપલબ્ધ નથી. પરિણામે સંબંધિત સંચાલકોને શાળા બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.
માધ્યમિક વિભાગમાં અંજાર તાલુકાની લાખાપર સ્થિત સારસ્વત વિદ્યાલય, વીડી ગ્રુપની હેપ્પી વેલી પબ્લિક સ્કૂલ, નવરચના પબ્લિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), માનવ રચના એકેડેમી, નવરચના પબ્લિક સ્કૂલ (ગુજરાતી માધ્યમ) અને ટ્વિંકલ સ્ટાર સ્કૂલ (ગુજરાતી માધ્યમ) સામે કાર્યવાહી કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકાના પત્રી ગામની જ્ઞાનધારા વિદ્યાલય, ઝરપરાની વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ – શિરાચા, ભુજપુરની સાંદીપનિ ઋષિ વિદ્યાલય, ગાંધીધામની અંબે ભવનાથ હાઈસ્કૂલ અને મારુતિ માધ્યમિક શાળા, ભચાઉ તાલુકાની નવજીવન વિકલાંગ સેવાશ્રય સ્કૂલ, નલિયાની દિલ્હી પબ્લિક સ્કૂલ, નખત્રાણા તાલુકાના મોટા અંગિયાની ધી વ્હાઈટ ઈગલ સ્કૂલ, માંડવી તાલુકાના બિદડાની શારદાનિકેતન સેકન્ડરી સ્કૂલ, મિરજાપરની જય ક્રિષ્ના પ્રિ-સેકન્ડરી શાળા, ભુજના આરટીઓ વિસ્તારની રોટરી એએમએમ પ્રિ-સેકન્ડરી અંગ્રેજી માધ્યમ શાળા, સેન્ટ મેરી પ્રિ-સેકન્ડરી શાળા, માધાપરની ટીએલસી ગુરુકુળ અંગ્રેજી માધ્યમ સ્કૂલ, દેશલપરની આર. અમૃતિયા વિદ્યામંદિર, માધાપરની વર્ધમાન વિદ્યાલય, ધાણેટીની સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ અને પદ્ધરની બીએમસીબી પબ્લિક અંગ્રેજી માધ્યમ સ્કૂલનો સમાવેશ થાય છે.
પ્રાથમિક વિભાગમાં અંજારની સિક્સ સ્ટાર પ્રિ-સ્કૂલ એન્ડ ડે-કેર સેન્ટર, દેવળિયાની એસ.ટી. સ્ટેપીસ સ્કૂલ, ખેડોઈની એચ.આર. પબ્લિક સ્કૂલ, અંજારની વાયબ્રન્ટ ઈન્ડિયા પબ્લિક સ્કૂલ, પ્રગતિ વિદ્યામંદિર શાળા, વરસામેડીની ક્રિષ્ના પબ્લિક સ્કૂલ, રોશની પ્રાઈમરી સ્કૂલ, ગળપાદરની ગુરુનાનક પબ્લિક સ્કૂલ (ગુજરાતી માધ્યમ), અંતરજાળની અંબે ભવનાથ હિન્દી શાળા, ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારની અક્ષર વિદ્યાપીઠ, સર્વોદય ગ્રુપની અંબે ભવનાથ પ્રાઈમરી શાળા, મીઠીરોહરની ચાણક્ય પ્રાઈમરી સ્કૂલ (હિન્દી માધ્યમ), વિથોણની ઉપાસના વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ), નલિયા ગ્રુપ-1ની મા આશાપુરા પબ્લિક સ્કૂલ, કોઠારાની મેમણ અનિશા પબ્લિક સ્કૂલ, મિરજાપરની જય ક્રિષ્ના એકેડેમી (ગુજરાતી માધ્યમ) અને જય ક્રિષ્ના પ્રિ-શાળા, કેરાની એચ.જે.ડી. ઇન્સ્ટિટ્યૂટ પ્રાઈમરી શાળા (ગુજરાતી માધ્યમ), દેશલપરની પ્રીતિ એજ્યુકેશન સોસાયટી ઇંગ્લિશ સ્કૂલ તથા કુકમાની બીએમસીબી પબ્લિક સ્કૂલ સામે પણ નોટિસ ફટકારવામાં આવી છે
માધ્યમિક વિભાગમાં અંજાર, ગાંધીધામ, ભુજ, માંડવી, નખત્રાણા, ભચાઉ, મુન્દ્રા, અબડાસા અને પદ્ધર સહિતના વિવિધ તાલુકાઓની અનેક ખાનગી શાળાઓ આ કાર્યવાહી હેઠળ આવી છે. આ ઉપરાંત પ્રાથમિક વિભાગમાં પણ અંજાર, ગાંધીધામ, ભુજ, નલિયા, કેરા, દેશલપર, કુકમા અને અન્ય વિસ્તારોમાં આવેલી 22 ખાનગી શાળાઓ સામે સમાન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, શાળા ચલાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું દરેક સંસ્થાની જવાબદારી છે. જો લાંબા સમય સુધી જરૂરી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા ન હોય તો આવી શાળાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા જાળવવાનો અને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો છે.
આ નિર્ણયથી અસરગ્રસ્ત શાળાઓના સંચાલકો તેમજ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આગામી શૈક્ષણિક સત્રમાં આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અપાવવાની પ્રક્રિયા અંગે પણ શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લામાં ખાનગી શિક્ષણ ક્ષેત્ર માટે આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા, બદલાતી શૈક્ષણિક પરિસ્થિતિ અને નિયમોના કડક અમલ વચ્ચે હવે ખાનગી શાળાઓ માટે ગુણવત્તા સાથે પૂરતી વિદ્યાર્થી સંખ્યા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar