ખારીરોહરમાં અજાણ્યા યુવાનનો રહસ્યમય મૃતદેહ મળ્યો, ઓળખ માટે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસની જનતાને અપીલ
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરના ખારીરોહર વિસ્તારમાંથી એક અજાણ્યા યુવાનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેથી ગાંધીધામ ''બી'' ડિવિઝન પોલીસે મૃતકની ઓળખ સ્થાપિત કરવા
ખારી રોહર વિસ્તારમાં મળી આવેલ લાશ


કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરના ખારીરોહર વિસ્તારમાંથી એક અજાણ્યા યુવાનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેથી ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે મૃતકની ઓળખ સ્થાપિત કરવા અને તેના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવા માટે જનતાને સહયોગ આપવા અપીલ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખારીરોહર ગામની સીમમાં શાંતીલાલ ગોડાઉન વિસ્તાર પાસે આવેલા એસ.કે. ગોડાઉનની સામે ગટરના નાળામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ લાંબા સમયથી પડ્યો હોવાના કારણે તે કોહવાઈ ગયેલી સ્થિતિમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ મૃતકની ઉંમર આશરે 25થી 30 વર્ષ વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

મૃતકના શરીર પર કાળા રંગનો લાંબી બાંયનો શર્ટ અને કાળા રંગનું પેન્ટ હતું. તેની ઓળખ માટે ઉપયોગી બની શકે તેવા અનેક નિશાન પણ શરીર પર જોવા મળ્યા છે. જમણા હાથના કાંડા પાસે ગુજરાતીમાં માં તેમજ અંગ્રેજીમાં aa સાથે દિલનું ટેટૂ બનાવેલું છે. એ જ હાથના બીજા ભાગે તાજ (ક્રાઉન)નું ચિત્ર દોરાયેલું છે, જેની નીચે અંગ્રેજીમાં MOM લખાયેલું છે તેમજ તેની બાજુમાં J અક્ષરનું ટેટૂ પણ છે. ઉપરાંત જમણા હાથના અંગૂઠા પાસે પણ ગુજરાતીમાં માં લખાયેલું ટેટૂ જોવા મળે છે.

આ ઉપરાંત મૃતકના ગળામાં કાળા રંગની પાળાની કંઠી પહેરેલી હતી. ડાબા હાથના કાંડા પર અંગ્રેજીમાં Being Human લખાયેલ ફ્રેન્ડશિપ બેલ્ટ અને હાથની આંગળીમાં સફેદ ધાતુની વીંટી પણ મળી આવી છે. આ તમામ વિગતોના આધારે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ સમગ્ર બનાવ અંગે હોસ્પિટલ તરફથી નોંધાયેલી વર્ધીના આધારે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિને મૃતક અંગે અથવા તેના પરિવારજનો અંગે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તાત્કાલિક ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા સંબંધિત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી માહિતી આપવા વિનંતી કરવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ સામાન્ય નાગરિકનો એક નાનો સંકેત પણ મૃતકની ઓળખ સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande