
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં માનવતાભર્યું અને સંવેદનશીલ પોલીસિંગનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી આશરે દોઢ માસ પહેલાં ગુમ થયેલી એક સગીર કિશોરીને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે શોધી કાઢી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી માનવતાની સાથે ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ અભિયાન અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને આ મહત્વપૂર્ણ સફળતા મળી છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના રહેવાસી નુર ઇસ્લામ હમીદુજમન ગાઝીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર રહી રજૂઆત કરી હતી કે તેમની સગીર પુત્રી આશરે દોઢ માસ પહેલાં કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. પરિવાર દ્વારા અનેક પ્રયાસો છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. દરમિયાન સંબંધીઓ પાસેથી એવી માહિતી મળી હતી કે કિશોરી ગાંધીધામ આસપાસના વિસ્તારમાં આવેલા કોઈ ઔદ્યોગિક એકમમાં હોવાની શક્યતા છે.
આ માહિતી મળતા જ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડે સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી પોલીસ સ્ટાફની વિશેષ ટીમને અરજદાર સાથે તપાસ માટે રવાના કરી હતી. પોલીસે વિવિધ સ્થળોએ તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી. અંતે ગાંધીધામ નજીક મીઠી રોહર વિસ્તારમાં આવેલા લાકડાના બેન્સામાંથી સગીર કિશોરીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી હતી.
પોલીસે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કિશોરીને તેના પરિવારજનોને સોંપી દીધી હતી. લાંબા સમય બાદ પુત્રીને સલામત જોઈ પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને તેમણે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સતર્કતા, સંવેદનશીલતા અને ઝડપી કાર્યવાહી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જે પોલીસની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar