



કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ તાલુકામાં સરકારી જમીન પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી અંજારની દેખરેખ હેઠળ મામલતદાર ગાંધીધામ અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બે અલગ-અલગ સ્થળોએ વિશેષ ઝુંબેશ ચલાવી કરોડો રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે. આ કાર્યવાહીથી સરકારી મિલકતો પર કબજો જમાવનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રથમ કાર્યવાહી ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે હાથ ધરવામાં આવી હતી. અહીં સરકારી સર્વે નંબર 573ની જમીન પર પી.એચ.સી. કેન્દ્રની પાછળ અંદાજે બે એકર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું. સ્થળ પર ગ્રાઉન્ડ પ્લસ એક માળ ધરાવતી 15 રૂમની હોટલ, રેસ્ટોરન્ટ, પાર્કિંગ, ગેરેજ, સર્વિસ સ્ટેશન તેમજ 10 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રે સમગ્ર ગેરકાયદેસર બાંધકામ દૂર કરી અંદાજે 8,094 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી હતી. જંત્રી મુજબ આ જમીનની કિંમત અંદાજે રૂ. 1,69,97,400 હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ત્યારબાદ બીજી કાર્યવાહી ચુડવા ગામે કરવામાં આવી હતી. અહીં સરકારી સર્વે નંબર 243ની જમીન પર સાયકલોન સેન્ટરની સામે અંદાજે 150 ચોરસ મીટર વિસ્તારમાં બિનઅધિકૃત રીતે દુકાનોનું નિર્માણ કરીને સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રે આ ગેરકાયદેસર દુકાનો પણ દૂર કરી જમીનને દબાણમુક્ત બનાવી હતી. જંત્રી મુજબ આ જમીનની કિંમત અંદાજે રૂ. 1,96,500 હોવાનું જણાવાયું છે.
સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કામગીરી કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થઈ શકે. વહીવટી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણને સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા દબાણો સામે કડક કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે. ગાંધીધામ તાલુકામાં હાથ ધરાયેલી આ કાર્યવાહી સરકારી મિલકતોના સંરક્ષણ અને ગેરકાયદેસર કબજાઓ દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar