મુન્દ્રામાં કચ્છ કોપર કંપની બહાર ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ: ધડાકા સાથે ભભૂકી જ્વાળાઓ, 10 બાઇક પળવારમાં રાખ
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : કચ્છના મુન્દ્રા વિસ્તારમાં આવેલી કચ્છ કોપર કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરમાં થયેલા જોરદાર ધડાકા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્
મુંદ્રા કચ્છ કોપર નજીક લાગી આગ


કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : કચ્છના મુન્દ્રા વિસ્તારમાં આવેલી કચ્છ કોપર કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરમાં થયેલા જોરદાર ધડાકા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસ પાર્ક કરાયેલા અનેક ટુ-વ્હીલર વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ લાગતા જ ટ્રાન્સફોર્મરમાંથી ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાના થોડા જ સમયમાં આગે નજીકમાં ઉભેલી બાઇકોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ હતી કે અંદાજે દસ જેટલી બાઇકો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મેળવી હતી.

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. જોકે આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પ્રાથમિક તબક્કે વીજ ટ્રાન્સફોર્મરમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande