
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પધ્ધર પોલીસ સ્ટેશને મોટરસાયકલ ચોરીના એક વણશોધાયેલા ગુનાનો સફળ ભેદ ઉકેલી ચોરાયેલું મોટરસાયકલ કબ્જે કરીને વધુ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટે સમગ્ર સ્ટાફને જરૂરી દિશાનિર્દેશ આપી તપાસને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન, પધ્ધર પોલીસ સ્ટેશનમાં ઇ-એફઆઈઆર (E-FIR) મારફતે મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ફરિયાદની વિગતોની ચકાસણી કરી ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ, વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ તેમજ માનવ સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે સતત અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પધ્ધર પોલીસ સ્ટેશનના એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પરિણામે ચોરીમાં ગયેલું મોટરસાયકલ શોધી કાઢીને કબ્જે લેવામાં આવ્યું હતું.
આ કામગીરી સાથે પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ-પાર્ટ ગુનો રજિસ્ટર નં. ૪૧૮/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયેલા વણશોધાયેલા ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પધ્ધર પોલીસની આ સફળ કામગીરીથી મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસની પ્રતિબદ્ધતા વધુ એક વખત સાબિત થઈ છે, જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મહત્વપૂર્ણ સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar