દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો પ્રોહિબિશન કેસનો આરોપી આખરે ઝડપાયો: પધ્ધર પોલીસની ટેક્નિકલ સર્વેલન્સથી મોટી સફળતા
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં નાસતા-ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પધ્ધર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા અંદાજે દોઢ વર્ષથી ફરાર રહી પોલીસની પકડથી દૂર રહેલા આરોપીને ચોક્કસ બાતમી
પ્રોહીબિશન કેસનો નાસભાગ કરતો આરોપી


કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં નાસતા-ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પધ્ધર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા અંદાજે દોઢ વર્ષથી ફરાર રહી પોલીસની પકડથી દૂર રહેલા આરોપીને ચોક્કસ બાતમી, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટે સ્ટાફને વિશેષ સૂચનાઓ આપી ફરાર આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરવા, સંભવિત સ્થળોએ નજર રાખવા તેમજ બાતમીદારોને સક્રિય કરવાની કામગીરી શરૂ કરાવી હતી.

આ કામગીરી દરમિયાન પધ્ધર પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરેન્દ્રસિંહ પરમારને વિશ્વસનીય બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ચોક્કસ સ્થળે આવી શકે છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી વોચ ગોઠવી સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પરિણામે લાંબા સમયથી પોલીસ તપાસમાંથી બચી રહેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ યોગેશ ઉર્ફે ગડો લક્ષ્મણભાઈ સથવારા (ઉંમર ૩૨) તરીકે થઈ છે. તે જામનગર શહેરના કાલાવાડ નાકા બહાર આવેલા સથવારાવાસ, બીબોડી ફળી વિસ્તારમાં રહે છે. આરોપી પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સી-પાર્ટ ગુનો રજિસ્ટર નં. ૧૧૨૦૫૦૪૪૨૫૦૦૫૨/૨૦૨૫માં ગુજરાત પ્રોહિબિશન કાયદાની કલમ ૬૫(એ)(ઈ), ૯૮(૨) અને ૮૧ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ ૨૦૧૭માં જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદાની કલમ ૬૫(ઈ), ૮૧, ૯૮(૨) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૦માં ફરી જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદાની કલમ ૬૫(એ)(એ), ૮૧ અને ૧૧૬(બી) હેઠળ કેસ નોંધાયો હતો. વર્ષ ૨૦૨૨માં જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૯ મુજબ ચોરીનો ગુનો પણ નોંધાયેલો છે. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કલમ ૪ અને ૫ મુજબ પણ તેની સામે ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પધ્ધર પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ પ્રોહિબિશનના મૂળ ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને શોધી કાયદાના સકંજામાં લાવવાની કામગીરી સતત ચાલુ હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande