
જામનગર, 05 જુલાઈ (હિ.સ.) : જામનગરના ઇસ્કોન મંદિરે આગામી ભગવાન જગન્નાથ રથયાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યાત્રા 18 જુલાઈ, શનિવારે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. બેઠક હાપા પાસે આવેલા ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવી હતી.
આ બેઠકમાં રથયાત્રાની આયોજક ટીમ દ્વારા રૂટ વ્યવસ્થા, વિવિધ સેવા કાર્યોનું આયોજન, અને વિવિધ સમાજોના પ્રતિનિધિઓ પાસેથી વિચારો, માર્ગદર્શન, અનુભવ, સહયોગ અને સૂચનો મેળવવામાં આવ્યા હતા. યાત્રાના પ્રારંભથી અંત સુધીના સમગ્ર રૂટ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રથયાત્રાનો પ્રારંભ શ્રીજી હોલ ચોકથી થશે અને તે એમ્યુઝમેન્ટ પાર્ક, સત્યમ કોલોની રોડ, હીરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો, પ્લોટ પોલીસ ચોકી, ખંભાળિયા ગેટ, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર, સજુબા હાઇસ્કુલ, બેડી ગેટ, ટાઉન હોલ, કેવી રોડ, કાશી વિશ્વનાથ મંદિર થઈને પોટ્રીગલી પાસે પૂર્ણ થશે. ત્યારબાદ હાપા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે આરતી અને પ્રસાદીનું આયોજન કરાયું છે.
આ બેઠક મંદિરના પ્રમુખ મુરલીધર દાસ, વ્યવસ્થાપક રમારમણ દાસ, એડવોકેટ દિલીપભાઈ ભોજાણી, ભક્તિ સિધ્ધાંત સરસ્વતી દાસ, જયસુખભાઇ પ્રભુ અને મીડિયા ઇન્ચાર્જ રમેશભાઇ રુપારેલ સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
રથયાત્રાના વિવિધ રૂટ પર વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં શ્રીજી હોલ ચોક ખાતે ઉમિયા પરિવાર સમિતિ અને સમસ્ત કડવા પટેલ સમાજ મહાદેવ હર મિત્ર મંડળ, એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ, સત્યમ કોલોની ગેટ પાસે આહીર સમાજ, અને રોઝી પેટ્રોલ પંપ પાસે યુવા સારથી ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પંજાબ બેંક પાસે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને ચૌહાણ ફળી મિત્ર મંડળ, પ્રણામી સ્કૂલ પાસે નવાનગર બેંક, HDFC બેંક પાસે લેઉવા પટેલ સમાજ, જૈન દેરાસર પાસે વિશા ઓસવાળ સમાજ, સુમુખ હોટલ પાસે જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્લોટ પોલીસ ચોકી પાસે વૈષ્ણવ ભાટિયા સમાજ, કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ અને હિન્દુ જાગરણ મંચ સેવા આપશે.
ખંભાળિયા ગેટ પાસે બાલા હનુમાન મંદિર, હવાઇ ચોક પાસે હાલારી ભાનુશાળી સમાજ, ચાંદી બજાર પાસે લોહાણા મહાજન સમાજ, વિશા શ્રીમાળી સોની સમાજ અને ગુજરાત રઘુવંશી લોહાણા સમસ્ત સમાજ, સજુબા હાઇસ્કુલ પાસે જામનગર વેપારી મહામંડળ, દીપક ટોકીઝ પાસે ધ સિડઝ & ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન, અને ખાદી ભંડાર પાસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ જોડાશે.
બેડી ગેટ/સુપરમાર્કેટ પાસે જામનગર-દેવભૂમિ દ્વારકા સમસ્ત રાજપૂત સમાજ અને નોબત પરિવાર, લિમડા લાઇન પાસે આણદાબાવા સેવા સંસ્થા, ઝુલેલાલ ચોક પાસે સમસ્ત સિંધી સમાજ, કે.વી.રોડ પાસે જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર કરછ) અને ઔ.સ.ઝા.બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ, પોટ્રીગલી પાસે સમસ્ત કોળી સમાજ, સમસ્ત સતવારા સમાજ, સોરઠીયા અને સૌ.મચ્છુ કડિયા લુહાર સમાજ, અને ઇસ્કોન મંદિર પાસે શિવ રેસીડેન્સી દ્વારા સેવાઓ આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt