
નવસારી, 05 જુલાઈ (હિ.સ.): નવસારી શહેરમાં પ્રથમ વખત અત્યાધુનિક આધાર સેવા કેન્દ્ર કાર્યરત બન્યું છે, જેના કારણે હવે આધાર કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ નાગરિકોને વધુ ઝડપી અને સરળ રીતે મળી શકશે. કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ફોર્મ ભરવાથી લઈને બાયોમેટ્રિક પ્રક્રિયા સુધીની સમગ્ર ઓનલાઈન કામગીરીનું નિરીક્ષણ કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ નવું કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ પર આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાયું છે. ટાઈપ-સી શ્રેણીના આ સત્તાવાર કેન્દ્રમાં એકસાથે ચાર કિટ્સ દ્વારા કામગીરી કરવામાં આવશે, જેના કારણે અરજદારોને લાંબી રાહ જોવી નહીં પડે અને સેવાઓ વધુ કાર્યક્ષમ રીતે ઉપલબ્ધ બનશે. અત્યાર સુધી નાગરિકોને વિવિધ સીએસસી અથવા આઉટસોર્સ કેન્દ્રો પર આધાર સંબંધિત કામ માટે જવું પડતું હતું, જ્યાં ઘણી વખત ડેટાની ભૂલોને કારણે લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હતા.
આધાર સેવા કેન્દ્રમાં નવા એનરોલમેન્ટથી લઈને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક અપડેટ સુધીની તમામ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. બાળકો અને પુખ્ત વયના લોકોના નવા આધાર નોંધણી, ફોટો, ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અપડેટ તેમજ નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈ-મેલ જેવી વિગતોમાં સુધારા પણ અહીં સરળતાથી કરાવી શકાશે. આ પહેલ ડિજિટલ સેવાઓને વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે