
સુરત, 05 જુલાઈ (હિ.સ.) : આગામી દિવસોમાં સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ પ્રકારની પૂર, જળબંબાકાર અથવા અન્ય કુદરતી આફતની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની વિશેષ ટીમને ઓલપાડ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
વડોદરા બટાલિયન-6ની આ ટીમમાં કુલ 30 પ્રશિક્ષિત જવાનોનો સમાવેશ થાય છે, જેમાં બે મહિલા રેસ્ક્યુઅર પણ સામેલ છે. ટીમની વિશેષતા એ છે કે તેની સાથે ‘રૂબી’ નામનો પ્રશિક્ષિત રેસ્ક્યુ ડોગ પણ તહેનાત કરવામાં આવ્યો છે. રૂબી કાટમાળ, પાણી ભરાયેલા વિસ્તારો તેમજ મુશ્કેલ સ્થળોએ ફસાયેલા લોકોને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બને છે.
NDRFની ટીમ પાસે રબર બોટ, લાઇફ જેકેટ, લાઇફ બોય, કટર મશીન સહિતના તમામ આધુનિક બચાવ સાધનો ઉપલબ્ધ છે. આ સાધનોની મદદથી પૂર અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડી શકાય છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે જેથી જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય.
NDRFના ઇન્સ્પેક્ટર આર.પી. ભાટીએ જણાવ્યું હતું કે તેમની ટીમ વરસાદી મોસમ દરમિયાન સંપૂર્ણ સતર્ક રહે છે અને કોઈપણ પ્રકારની કુદરતી આફતનો સામનો કરવા સક્ષમ છે. ભારે વરસાદ, પૂર કે અન્ય આપાતકાલીન સ્થિતિ સર્જાય તો ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી બચાવ કામગીરી શરૂ કરશે.
તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે વરસાદ દરમિયાન અફવાઓ પર વિશ્વાસ ન કરે, માત્ર જિલ્લા વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે. સાથે જ પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી જવાનું ટાળે, જોખમી સ્થળોથી દૂર રહે અને કોઈપણ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક સંબંધિત તંત્રનો સંપર્ક કરે.
ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં દર વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં NDRFની અગાઉથી કરાયેલી તહેનાતી અને વહીવટી તંત્રની સજ્જતા કોઈપણ સંભવિત આપત્તિનો અસરકારક રીતે સામનો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે