
સુરત, 05 જુલાઈ (હિ.સ.): સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પરથી દુર્લભ પ્રજાતિના ફોર્સ્ટન કેટ સ્નેકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સાપ દેખાયાની જાણ મળતા ઓલપાડ સર્પ સુરક્ષા સંસ્થાના સ્વયંસેવક અક્ષય સવજાણી સ્થળ પર પહોંચ્યા અને સલામતીપૂર્વક તેને પકડી લીધો. શરૂઆતમાં જ આ સાપ સામાન્ય રીતે સુરત જિલ્લામાં જોવા મળતી પ્રજાતિઓથી અલગ હોવાનું જણાતા તેના ફોટોગ્રાફ્સ સંસ્થાના અગ્રણી રજનીકાંત ચૌહાણ અને અન્ય વન્યજીવ નિષ્ણાતોને મોકલવામાં આવ્યા હતા. તમામે તેની ઓળખ ફોર્સ્ટન કેટ સ્નેક તરીકે પુષ્ટિ કરતા સમગ્ર મામલાની જાણ વન વિભાગને કરવામાં આવી.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફોર્સ્ટન કેટ સ્નેક મુખ્યત્વે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં જોવા મળતી શરમાળ અને દુર્લભ પ્રજાતિ છે. વૃક્ષો અને ભેજવાળા ઝાડી વિસ્તારો તેનું કુદરતી રહેઠાણ હોવાથી સુરત જેવા શહેરી વિસ્તારમાં તેનું મળી આવવું અસામાન્ય ઘટના માનવામાં આવે છે. સતત વરસાદ, રહેઠાણમાં થતા ફેરફારો અથવા જંગલ વિસ્તારમાંથી બાંધકામ માટે લાવવામાં આવેલી સામગ્રી સાથે આ સાપ શહેર સુધી પહોંચી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, ફોર્સ્ટન કેટ સ્નેક હળવા પ્રકારનું રિયર-ફેંગ્ડ ઝેર ધરાવે છે, પરંતુ સામાન્ય રીતે માનવ માટે જીવલેણ નથી અને બિનજરૂરી રીતે હુમલો પણ કરતો નથી. તેઓએ લોકોને અપીલ કરી છે કે આવા સાપ દેખાય તો ગભરાવાના બદલે અથવા તેને નુકસાન પહોંચાડવાના બદલે તાત્કાલિક પ્રશિક્ષિત સર્પ રેસ્ક્યૂ ટીમ અથવા વન વિભાગને જાણ કરવી જોઈએ. સાથે જ તેમણે ઝડપથી વધી રહેલા શહેરીકરણ વચ્ચે વન્યજીવોના કુદરતી રહેઠાણના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે