
સુરત, 05 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં વધતા ઘરફોડ ચોરીના બનાવોને રોકવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ક્રાઈમ બ્રાંચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. મોટા વરાછાની વિશ્વા બેકરીમાં થયેલી ચોરીના કેસની તપાસ કરતાં પોલીસે કતારગામના પ્રભુનગર વિસ્તારમાંથી 19 વર્ષીય તુષાર દિનેશભાઈ આહણીયાની ધરપકડ કરી હતી. મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો રહેવાસી તુષાર હાલમાં કતારગામમાં રહેતો હતો. પૂછપરછ દરમિયાન તેણે સુરત ઉપરાંત આણંદ, ભાવનગર અને ભરૂચમાં આચરાયેલા અનેક ગુનાઓમાં પોતાની સંડોવણી સ્વીકારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ તેના સાગરીતો પ્રવિણ નાગર, ભગીરથ મકવાણા અને હિરેન ગોહીલ સાથે મળીને બેકરી, મેડિકલ ક્લિનિક અને પેથોલોજી લેબોરેટરી સહિત અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા. તેણે કાપોદ્રા વિસ્તારમાં થયેલી ચોરીઓ તેમજ આણંદમાં ઘરફોડના પ્રયાસની પણ કબૂલાત કરી છે. આણંદમાં ચોરી દરમિયાન સ્થાનિક લોકો જાગી જતાં તુષાર ઝડપાઈ ગયો હતો, જ્યારે તેના સાથીદારો નાસી છૂટ્યા હતા. બાદમાં ક્રાઈમ બ્રાંચની સઘન પૂછપરછમાં મોટા વરાછાની વિશ્વા બેકરીમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો.
તપાસ દરમિયાન આરોપીનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેના વિરુદ્ધ સુરતના કાપોદ્રા, ચોકબજાર અને કતારગામ પોલીસ સ્ટેશન ઉપરાંત ભાવનગર, આણંદ અને ભરૂચમાં ઘરફોડ ચોરી, હત્યા, મારામારી, ધમકી અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ જેવા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસ વધુ તેજ બનાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે