
પાટણ, 05 જુલાઈ (હિ.સ.) : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) એદલામાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ નરેશભાઈની બદલી અડીયા PHC ખાતે થતાં તેમના સન્માનમાં ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર, સરપંચ, શાળાના આચાર્ય, આરોગ્ય કર્મચારીઓ, આશાબહેનો, ગ્રામજનો અને યુવકમંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિતોએ તેમના સેવાકાળ દરમિયાન કરેલા લોકહિતના કાર્યોને યાદ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
નરેશભાઈએ પોતાના કાર્યકાળના સંસ્મરણો વહેંચતાં જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન લોકભાગીદારીથી દવાઓની કીટ તૈયાર કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ મળે તે માટે દાતાઓના સહયોગથી ન્યુટ્રિશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વ્યસનમુક્તિ અભિયાન અને રક્તદાન ક્ષેત્રે પણ નરેશભાઈનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે પોતાના ૫૧મા જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને ૫૧ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. સાથે જ ગ્રામજનોને ગુટકા અને તમાકુના દૂષણ અંગે જાગૃત કરીને અનેક લોકોને વ્યસનમુક્ત બનાવવાના પ્રયાસો પણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ