




અંબાજી06જુલાઈ (હિ.સ.) અંબાજી
પંથકમાં ચોમાસાનું જોરદાર આગમન થતાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા
બે દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ આજે પડેલા ભારે વરસાદે સમગ્ર અંબાજી શહેરને પાણીમાં ગરકાવ
કરી દીધું હતું.ભારે વરસાદના કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ નદી જેવા
બની ગયા હતા. અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો
આવ્યો હતો. બજારમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો
પડ્યો હતો. કેટલાક લોકો પોતાનો સામાન માથે ઉપાડી પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા
હતા.અંબાજી–હિંમતનગર
હાઇવે પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં સમુદ્ર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક નાના-મોટા
વાહનો તેમજ એસટી બસ પાણીમાં અટવાઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા વાહનોને ધક્કા મારી
પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.હાઇવે પર આવેલા કેટલાક લોખંડના
વીજપોલના ખુલ્લા ઇલેક્ટ્રિક બોર્ડ જોવા મળતાં લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
જો આવા ખુલ્લા બોર્ડમાં વીજપ્રવાહ ફેલાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ
લોકો વ્યક્ત કરી રહ્યા છે.
બીજી તરફ, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આજે ખુશીનો માહોલ
જોવા મળ્યો હતો. પૂરતો વરસાદ થતાં હવે ખેડૂતો ખેતીની કામગીરી શરૂ કરવાની તૈયારીમાં
લાગી ગયા છે.એક તરફ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે, તો બીજી તરફ શહેરમાં પાણી ભરાવાની
સમસ્યાએ વહીવટી તંત્રની વરસાદ પૂર્વેની તૈયારીઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ