
ગાંધીનગર, 06 જુલાઈ (હિ.સ.) સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના નવનિયુક્ત એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એ.વી.એસ.એમ., વી.એમ., એર માર્શલ પી.વી. શિવાનંદે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન - રીજનલના અધ્યક્ષા ફાની શિવાનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ એર માર્શલને આ મહત્વપૂર્ણ પદભાર સંભાળવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
બેઠક દરમિયાન એર માર્શલ પી.વી. શિવાનંદની ત્રણ દાયકાથી વધુની લશ્કરી અને વહિવટી સેવાઓ અંગે ચર્ચા થઈ હતી. તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓ બદલ ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા તેમને વર્ષ 2014માં વાયુ સેના મેડલ અને વર્ષ 2025માં અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુલાકાત દરમિયાન એ.એફ.એફ.ડબ્લ્યુ.એ.ના નવનિયુક્ત અધ્યક્ષા ફાની શિવાનંદ દ્વારા વાયુસેના પરિવારના સભ્યો અને મહિલાઓના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી રાજ્યપાલને અવગત કરાવવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ એર માર્શલ પી.વી. શિવાનંદ અને ફાની શિવાનંદની કામગીરીને બિરદાવી હતી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેઠળના વિસ્તારમાં વાયુસેનાની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ