અમરેલી-સાવરકુંડલા-રાજુલા નેશનલ હાઈવે ધોવાયો: ચરખડીયા પાસે રોડના બે ભાગ, છેલ્લા 16 કલાકથી વાહન વ્યવહાર ઠપ્પ
અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ વ્યવસ્થા પર ગંભીર અસર જોવા મળી રહી છે. અમરેલીથી સાવરકુંડલા અને રાજુલાને જોડતો મહત્વનો નેશનલ હાઈવે સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામ નજીક ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગય
અમરેલી-સાવરકુંડલા-રાજુલા નેશનલ હાઈવે ધોવાયો: ચરખડીયા પાસે રોડના બે ભાગ, છેલ્લા 16 કલાકથી વાહન વ્યવહાર ઠપ્પ


અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ વ્યવસ્થા પર ગંભીર અસર જોવા મળી રહી છે. અમરેલીથી સાવરકુંડલા અને રાજુલાને જોડતો મહત્વનો નેશનલ હાઈવે સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામ નજીક ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રોડ વચ્ચેનો મોટો ભાગ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતાં હાઈવેના બે ભાગ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભારે વરસાદ બાદ વહેતા પાણીના ધસમસતા પ્રવાહે હાઈવેને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રોડનો અંદાજે 20 ફૂટ જેટલો ભાગ વચ્ચેથી ધોવાઈ ગયો હોવાથી કોઈપણ પ્રકારના વાહનોની અવરજવર શક્ય રહી નથી. ઘટનાના કારણે હાઈવેની બંને બાજુ નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે ગઈકાલથી જ ધોવાઈ ગયો હોવા છતાં છેલ્લા 16 કલાકથી માર્ગ પુનઃ શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા અને રાજુલા તરફ જતાં લોકોને લાંબો વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી રહી છે.

હાલમાં અમરેલી તરફથી સાવરકુંડલા અને રાજુલા જવા ઇચ્છતા વાહનચાલકોને ચલાલા માર્ગ થઈને પ્રવાસ કરવો પડી રહ્યો છે, જેના કારણે મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તાત્કાલિક હાઈવેનું સમારકામ શરૂ કરી માર્ગ ફરીથી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે આ માર્ગ બંધ રહેતા દૈનિક મુસાફરો, વેપારીઓ અને આવશ્યક સેવાઓને પણ અસર પહોંચી રહી છે. હવે સૌની નજર તંત્રની કામગીરી પર છે કે હાઈવેને કેટલા સમયમાં ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande