‘ઓપરેશન કારાવાસ-2’માં વલસાડ SOGની મોટી સફળતા: 15 વર્ષથી જાપ્તા ફરાર અને 13 વર્ષથી વોન્ટેડ આરોપી અયોધ્યાથી ઝડપાયો
વલસાડ, 06 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારની ‘ઓપરેશન કારાવાસ-2’ ઝુંબેશ હેઠળ વલસાડ જિલ્લા એસ.ઓ.જી.ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા 15 વર્ષથી ભરૂચ જિલ્લાના ધાડ સાથેના ખૂનના કેસમાં જાપ્તા ફરાર તથા છેલ્લા 13 વર્ષથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના
આરોપી સાથે પોલીસ ની ટીમ


વલસાડ, 06 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારની ‘ઓપરેશન કારાવાસ-2’ ઝુંબેશ હેઠળ વલસાડ જિલ્લા એસ.ઓ.જી.ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા 15 વર્ષથી ભરૂચ જિલ્લાના ધાડ સાથેના ખૂનના કેસમાં જાપ્તા ફરાર તથા છેલ્લા 13 વર્ષથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઉત્તરપ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડવામાં આવ્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીનું લોકેશન અયોધ્યામાં ટ્રેસ કરવામાં આવ્યું હતું.

ઝડપાયેલ આરોપી ઘનશ્યામ ઉર્ફે કરન ઉર્ફે બીગ ઉર્ફે બાબા રામપ્રતાપ સિંહ વર્મા (ઉ.વ. 36) મૂળ ઉત્તરપ્રદેશના ગોન્ડા જિલ્લાનો રહેવાસી છે. તે વર્ષ 2008માં ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ સાથેના ખૂનના કેસમાં દોષિત બની વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2011માં વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વર્ષ 2013માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્સ એક્ટનો ગુનો આચરી ફરીથી નાસતો રહ્યો હતો.

એસ.ઓ.જી.ની ટીમે અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના શહાદતગંજમાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ વાપી ટાઉન પોલીસને સોંપ્યો છે. આરોપી વિરુદ્ધ વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશનમાં જાપ્તામાંથી ફરાર થવા બદલ તેમજ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.આર. સુસલાદે, એ.એસ.આઇ. વિક્રમભાઈ મનુભાઈ, એ.એસ.આઇ. સયદભાઈ બાબનભાઈ તેમજ એસ.ઓ.જી.ની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande